અમદાવાદ: અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યુ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 24 સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મોકલાયા હતા.
ધમકીભર્યા ઇમેઇલ પાકિસ્તાનથી આવ્યા હતા
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની 24 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના કેસની તપાસમા પાકિસ્તાની કનેક્શન સામે આવ્યુ છે. અમદાવાદની શાળાઓને ઉડાવવાના ધમકીભર્યા ઇમેઇલ પાકિસ્તાનથી આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચે મેઈલ કઇ જગ્યા પરથી આવ્યો છે તેનુ આઈડી શોધી નાંખ્યુ છે.
પાકિસ્તાનીએ મોકલ્યા હતા ઇમેઇલ
આ મામલે ક્રાઇમ બ્રાંચના જેસીપી, શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, ‘mail.ru તૌહિદ લિયાકત નામના વ્યક્તિએ પાકિસ્તાનના ફૈઝલાબાદથી તમામ મેઇલ મોકલ્યા હતા. આ વ્યક્તિના અન્ય અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નામ છે. સ્નેપ ચેટ, આઇક્યુ, ટ્વિટર પર પણ આ લોકોના એકાઉન્ટ હતા.’
પાકિસ્તાન આર્મી કેન્ટોનમેન્ટનું લોકેશન
પ્રાથમિક તપાસમાં રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. જોકે ક્રાઇમ બ્રાન્ચને આ મેઇલ આપવામાં આઇએસઆઈએસની સંડોવણી હોવાની આશંકા પણ હતી. જોકે તપાસમાં પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટનું લોકેશન હોવાનુ ખુલ્યું હતુ.
આ પણ વાંચો:
પુત્રવધૂએ માતા સાથે મળીને ઈલેક્ટ્રીક કટરથી કરી સાસુની હત્યા
મતદાનના આગળના દિવસે જ મળી હતી ધમકીઓ
ગુજરાતમાં ચૂંટણીના મતદાનના આગળના દિવસે જ આ ધમકીભર્યા ઇમેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઇને ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે કલાકોની તપાસ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહતી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આ વિસ્તારોમા પોલીસ પેટ્રોલિંગ શરુ કરાયું હતુ.
આ પણ વાંચો:
મહિસાગરનાં પ્રથમપુરા ગામમાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય
અમદાવાદ પોલીસે કરી હતી ન ગભરાવવાની અપીલ
ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન દ્વારા તપાસ ચાલુ કરી હતી. અમદાવાદ પોલીસ દ્વારા જે સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યા છે ત્યાં ગંભીરતાપૂર્વક તપાસ કરાઈ હતી. અમદાવાદ પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે, કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી તેમજ સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ પ્રકારની અફવાઓ કે ખોટા મેસેજોથી દૂર રહેવું, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર